(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૮
ચોમાસાની જમાવત થતાની સાથે જ વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારની સોસાયટીઓમાં મગરો પ્રવેશવાની શરૂઆત થઇ ગઇ છે. રવિવારે મોડીરાત્રે શહેરના વિવિધ વિસ્તારમાંથી રેસ્ક્યુ ટીમ દ્વારા રહેઠાણ વિસ્તારમાં આવી પહોંચેલા ૫ મગરો રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વન વિભાગના આર.એફ.ઓ. નિધીબેન દવેએ જણાવ્યું હતું કે, ગત રાત્રે કમાટીબાગ, નિઝામપુરા, લાલબાગ, માણેજા અને ઇએમઇ રહેઠાણ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર આવ્યા હોવાની જાણ થઇ હતી. આ પાંચ સ્થળોએ વન વિભાગની રેસ્ક્યુ ટીમ પહોંચી ગઇ હતી. આ સ્થળોએથી પાંચથી છ ફૂટના મગરોને પકડી લેવામાં આવ્યા હતા. ચોમાસાની ઋતુમાં મગરો આક્રમક બનતા હોય છે. જેથી મગર દેખાય કે તરત વન વિભાગને જાણ કરવી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો મગરને વધુ છંછેડવામાં આવે તો જીવલેણ હુમલો પણ કરી શકે છે. જો કે, હજુ સુધી મગર દ્વારા હુમલો કરાયો હોવાની આ ઋતુમાં કોઇ ઘટના સામે આવી નથી. પકડાયેલા મગરોની તપાસ કરી તેમને પુનઃ સુરક્ષીત સ્થળે મુકત કરી દેવામાં આવશે.