પ્રેમલગ્ન તો અનેક ધર્મના યુવક-યુવતીઓ કરે છે ત્યારે

યુવતીને કાઉન્સેલિંગના નામે કેમ અલગ કરાઈ ? યુવતીનું વિવિધ હિન્દુ સંગઠનો, ભાજપ આગેવાનો, કાર્યકરો દ્વારા કરાઈ રહેલું બ્રેઈન વોશ

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.ર૦
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારની હિન્દુ યુવતીએ તે જ વિસ્તારના મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા કટ્ટરવાદી તત્ત્વોના પેટમાં તેલ રેડાયું હતું અને બંનેના લગ્નનો વિરોધ કરી પોલીસ સ્ટેશને ટોળેટોળા ઊમટી પડ્યા હતા અને પોલીસ પર ભારે દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે પોલીસે સંયમતાથી મામલો થાળી ટોળાને વિખેરી નાંખ્યા હતા. જ્યારે પોલીસે યુવક અને યુવતીને તેમના પરિવારજનોને સોંપી દીધા હતા. જો કે બંનેએ કાયદેસરના લગ્ન કર્યા હોવા છતાં કાઉન્સેલિંગના નામે છૂટા કરાતા બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે.
યુવતીને તેના સગાઓને ત્યાં યુવાનને પણ અન્યત્ર મોકલી દેવાયો છે. યુવકનો પરિવાર એટલો ભયભીત બની ગયો છે કે કોઈ બોલવા તૈયાર નથી. જ્યારે યુવતી પક્ષે ભાજપના સાંસદ રંજન ભટ્ટ, આગેવાનો, કાર્યકરો વિવિધ હિન્દુ સંગઠનોએ મુલાકાત લઈ યુવતીનું બ્રેઈન વોશ કરવાની કામગીરી કરી છે. જેથી આ લગ્ન મામલે એક તરફી જ કાર્યવાહી ચાલી રહી છે. જો બંનેને કાયદેસર રીતે લગ્ન કર્યા છે તો પોલીસે યુવતીને યુવક સાથે કેમ જવા ન દીધી ? અને તેણીના પરિવારજનોને કેમ સોંપી દીધી ? અને યુવતીને તેના પતિ સાથે જવા ન દેવા કટ્ટરવાદી તત્ત્વોએ મોરચો સંભાળી લીધો હોય તેવું વાતાવરણ હાલમાં ચાલી રહ્યું છે. જો મુસ્લિમ યુવતી હિન્દુ યુવક સાથે લગ્ન કરે છે ત્યારે આવા સંગઠનો કેમ પોતાનો વિરોધ નોંધાવતા નથી. શા માટે ચુપકીદી સેવી લે છે તેવો સવાલ બુદ્ધિજીવીઓ કરી રહ્યા છે. હાલમાં હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીઓના લગ્ન કરવાના બનાવમાં વધારો જોવા મળે છે. ત્યારે આટલો હોબાળો મચાવવામાં આવતો નથી તો હિન્દુ યુવતી મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરે તો હોબાળો મચાવનાર કટ્ટરવાદી સંગઠનોએ શું પોતાના ધર્મનો ઠેકો લીધો છે ? તવો પ્રશ્ન ઊભો થાય છે. પ્રેમને કોઈ નાત, જાત કે ધર્મ હોતો નથી. પ્રેમસંબંધમાં કોઈ ધર્મની યુવતી કોઈપણ ધર્મનો યુવક સાથે લગ્ન કરી લે છે અને દરેક પુખ્ત વયના યુવક કે યુવતીને તેનો અધિકાર છે. આ અંગે વિસ્તારના મુસ્લિમ અગ્રણી સદામ પઠાણે જણાવ્યું કે, લવજેહાદના મામલે દુષ્પ્રચાર ચાલી રહ્યો છે. અમારી પાસે દર બે-ત્રણ દિવસે અપડેટ આવે છે, જેમાં મુસ્લિમ યુવતીઓએ હિન્દુ સાથે લગ્ન કર્યા છે. મુસ્લિમ યુવક આવું કરે તો લવજેહાદ કહે છે, પણ ૬ મહિનામાં ૬ મુસ્લિમ યુવતીઓએ હિંદુ સાથે લગ્ન કર્યા છે અને આ સિલસિલો ચાલુ છે. અમે જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવતા નથી. મુસ્લિમ યુવકોને આવી તાલીમ અપાય છે તે વાત ખોટી. અમારી લાગણી એ છે કે બંને કોમ વચ્ચે એકતા જળવાઈ રહે. લવ જેહાદનો કાયદો આવે તો તે બંને કોમ પર લાગુ કરવો જોઈએ.