(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૯
છેલ્લાં ૯ માસથી વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પુરતા પ્રેશર અને શુદ્ધ પાણી પુરું પાડવામાં પાલિકા ધરાર નિષ્ફળ પુરવાર થઇ છે. ત્યારે પૂર્વ વિસ્તારનાં કોંગ્રેસના કાઉન્સીલર અનિલ પરમારની આગેવાનીમાં સ્થાનિક લોકો વહેલી સવારે આજવા પાણીની ટાંકી ઉપર જઇ સામૂહિક સ્નાન કર્યું હતું. સ્નાન કર્યા બાદ લોકોએ પાલિકા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં સારો વરસાદ થયો હોવા છતાં વડોદરા પાલિકાના અધિકારીઓની અણઆવડત અને આયોજનનાં અભાવે વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના રહીશોને છેલ્લાં ૮ માસ ઉપરાંતથી પુરતા પ્રેશરથી અને ચોખ્ખું પાણી મળતું નથી. સત્તાધિશો દ્વારા નિમેટા ખાતે કામગીરી ચાલું હોવાના બહાના બતાવી રહ્યાં છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, પાણી પુરવઠા વિભાગનાં ભ્રષ્ટ તંત્રમાં ફરજ બજાવતા અણઘડ અધિકારીઓ અને કર્મચારીઓના આયોજનનાં અભાવને કારણે લોકોને પાણી મળી રહ્યું નથી.
પૂર્વ અને દક્ષિણ વિસ્તારનાં લોકોને પુરતા પ્રેશરથી અને ચોખ્ખુ પાણી આપવા બાબતે અનેક વખત વોર્ડ નં.૪ ના કોંગ્રેસનાં સત્તાવાળાઓને રજૂઆતો કરવામાં આવી છે. સામાન્ય સભામાં પણ રજૂઆતો કરી છે. તેમ છતાં પાણીનો પ્રશ્ન હલ ન થતાં આજે તેઓ અને સ્થાનિક લોકો સવારે આજવા ટાંકી ઉપર પહોંચી ગયા હતા અને જાહેરમાં સ્નાન કર્યું હતું. સ્નાન કર્યા બાદ કાઉન્સીલર અને લોકોએ પાલિકા વિરુદ્ધ પાણીનાં પોકારો સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. કાઉન્સીલર અનિલ પરમારે જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમ પછી પણ પાણીનો પ્રશ્ન હલ નહિં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.