(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
પાલિકાની આર્થિક સ્થિતિ કથળતા હવે આગામી બજેટમાં ચોક્કસ હવે કરવેરામાં વધારો ઝીંકાશે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી વેરા ઝીંકવાની જગ્યાએ આવકના નવા સ્ત્રોત ઊભા કરવા રજૂઆત કરી છે.
હાલમાં વડોદરા મહાનગર પાલિકાની આર્થિક પરિસ્થિતિ કથળી છે. કરોડોના વિકાસના કામોને મંજૂરી આપ્યા બાદ તેના ચૂકવણા સમયસર થતા નહીં હોવાની અનેક ફરિયાદો ઊઠી છે. તો બીજી તરફ આર્થિક સંકળામણને પહોંચી વળવા પાલિકાએ ૧૦૦ કરોડની એફ.ડી. પણ તોડાવી હોવાની ચર્ચા જાગી છે. પાલિકાની આર્થિક પરિસ્થિતિ સુધારવા આગામી બજેટમાં કરવેરામાં વધારો ઝીંકાશે એવી આશંકાઓ સેવાઇ રહી છે. ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ મ્યુનિ. કમિશનર પત્ર લખી વેરો નહીં વધારવા રજૂઆત કરી છે. તેઓએ મ્યુનિ.કમિશન પત્ર લખી વેરો નહીં વધારવા રજૂઆત કરી છે. તેઓએ મ્યુનિ. કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પાલિકાની આર્થિક સ્થિતિ નાજુક છે. ત્યારે આ પરિસ્થિતિને સુધારવા નાગરિકો પર કરવેરાનો બોજો ન નાખી સરકાર તરફથી જે ગ્રાન્ટ મળે છે. તેને વધારવાના પ્રયાસો કરવા જોઇએ. ઓકટ્રોયની ગ્રાન્ટ સરકાર પાસે માંગી તેની સાથે સાથે પ્રોફેશનલ ટેક્ષની ગ્રાન્ટ, શિક્ષણ ઉપકરની ગ્રાન્ટ, મનોરંજનની ગ્રાન્ટ જેવી સરકારની ગ્રાન્ટોમાં પણ પાલિકાને મળનારા ભાગમાં વધારો કરવો જોઇએ. તેટલું જ નહીં ઠેરઠેર બિલાડીની ટોપ જેમ ઉગી નીકળેલા મોબાઇલ ટાવરોનો ટેક્ષ વસુલવો, સોસાયટીઓના અને દુકાનોની બહાર પ્રસિદ્ધના મોટા મોટા હોર્ડીંગ્સ તથા બોર્ડના જાહેરાત કંપનીઓ પાસેથી ટેક્ષ વસુલવો જોઇએ.