(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
સયાજી હોસ્પિટલ ખાતે આજે દાખલ થયેલા કારેલીબાગના ૬૦ વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે મોત નિપજતા કુલ મૃત્યુઆંક ૭ પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કુલ ૬ દર્દીઓનો ઉમેરો થતા શહેરનો કોરોના પોઝિટિવ આંક ૧૪૫ પર પહોંચ્યો હોવાનું મહાનગરપાલિકાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
વડોદરા સહિત દેશભરમાં કોરોના ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. ગઈકાલે શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીના મોત બાદ આજે બીજા દિવસે પણ વધુ એક મોત કોરોનાને કારણે નોંધાયું છે. કારેલીબાગ વિસ્તારમાં પશુ હોસ્પિટલ પાછળ રહેતા ૬૦ વર્ષીય આધેડની તબિયત લથડતા તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સાંજના સમયે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ મૃત્યુ સાથે કોરોનાને કારણે વડોદરા શહેરનો મૃત્યુઆંક ૭ પર પહોંચ્યો છે.
આજે દિવસ દરમિયાન નાગરવાડા વિસ્તારના ૪, વાડી સ્થિત નાના શનિમંદિર પાસે રહેતા ૧ અને મૃત્યુ પામેલા કારેલીબાગના વૃદ્ધ સહિત કુલ ૬ દર્દીઓ કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા હતા. જેને પગલે આજે કોરોના પોઝિટિવનો આંકડો ૧૪૫ પર પહોંચ્યો છે. રેડ ઝોન નાગરવાડામાં ૨ કેસ નોંધાયા છે. કાયાવરોહણ ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા ગુરૂવારે તેમના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.