(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૯
વડોદરા શહેરમાં કોરોના વાયરસના આજે વધુ ર૮ પોઝિટિવ નોંધાયા છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા પર૮ ઉપર પહોંચી ગઈ છે. આજે એક સાથે પર દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ વડોદરામાં કુલ રપ૦ દર્દીઓ સાજા થયા છે. વડોદરા શહેરના અનાજ-કરિયાણાના સૌથી મોટા હાથીખાનામાં વેપારી રાજેશભાઈ ચંદવાણીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ૧રથી ૧૭ મે દરમિયાન હાથીખાના માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન હાથીખાના માર્કેટને સેનિટાઈઝ કરવામાં આવશે. કોરોના વાયરસના લોકડાઉનને પગલે વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં વેકેશન લંબાવવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા આગામી ર૦ જૂન સુધી વેકેશન લંબાવવાનો નિર્ણય લેવાયો છે.