(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૯
વડોદરા શહેરમાં કોરોના વાયરસના આજે વધુ ૧૮ દર્દીઓ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંક ૭૩૦ પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક ૩પ ઉપર પહોંચ્યો છે. વધુ ૧૬ લોકો કોરોના મુક્ત થતા અત્યારસુધીમાં કુલ ૪૫૩ દર્દી સાજા થયા છે. હાલમાં વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની ૨૪૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે પૈકી ૧૩ની હાલત હજી પણ ચિંતાજનક છે જે પૈકી આઠને ઓક્સિજન પર અને પાંચને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં લોકડાઉનમાં છૂટછાટ મળતા નોન-કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હેર સલૂન અને ફરસાણ સહિતની દુકાન શરૂ થઈ ગઈ છે. વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં કેટલાક હેર સલૂનમાં સંચાલકો અને કારીગો પીપીઈ કિટ સાથે હેર કટિંગ કરતા જોવા મળ્યા હતા. આમ લોકડાઉન ૪.૦નું ખૂબ જ સાવચેતીથી અને ચુસ્તપણે પાલન કરવામ આવી રહ્યું છે.