(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૮
વડોદરામાં આજે કોરોના સંક્રમિત વધુ પાંચ દર્દીનાં મોત નિપજ્યા છે. મૃતકોને કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી. વાઘોડિયા રોડ ઉપર પુનમ કોમ્પ્લેક્સ પાછળ વૈભવલક્ષ્મી પાર્કમાં રહેતા ૬પ વર્ષીય લીલાબહેન કહારનું વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં સવારે મોત નિપજ્યું હતું. માંડવી-ગેંડીગેટ રોડ ઉપર સૈફી મહોલ્લા સ્થિત કોલાખાડીમાં રહેતા ૬૮ વર્ષીય યુસુફભાઈ કેમ્પવાલાનું ન્યુ વીઆઈપી રોડ ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રાજમહેલ રોડ રાધાકૃષ્ણની પોળમાં રહેતા ૬પ વર્ષીય ભારતીબહેન ચંદુલાલ સુથારનું મોડીરાત્રે મોત નિપજ્યું હતું. રાત્રે ૩ વાગે તેઓની ખાસવાડી સ્માશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. હાલોલમાં ૬૭ વર્ષીય ગીરધરભાઈ આર. દેસાઈનું ધીરજ હોસ્પિટલમાં મોત થયુું છે. આ ઉપરાંત ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ૪૯ વર્ષીય શબ્બીર અહેમદ શેખનું મોત નિપજ્યું હતું. પાંચ જૂનના રોજ વડોદરા નજીક ધીરજ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોડી રાત્રે બે વાગે મોત નિપજ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ ૩પ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંક ૧૩૪૦ પર પહોંચી ગયો છે. વડોદરા શહેર-જિલ્લામાં આજે વધુ ૬૧ દર્દીને ડિસ્ચાર્જ કરાતા કોરોનાને માત આપી સાજા થનારાની સંખ્યા ૮પ૬ પર પહોંચી ગઈ છે.