વડોદરા, તા.૩૦
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરામાં કોરોના વાયરસના વધુ ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં કોરોના વાયરસના ૩૦૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને ૨૦ ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા શેખ ફરીદ મહોલ્લામાં રહેતા ૪પ વર્ષના સરવરભાઈ રઝા મન્સુરીનું કોરોના વાયરસથી ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે બુધવારે સાંજથી લઈને આજે સવારે ૧૦ વાગ્યા સુધી લેવાયેલા ૧૬૯ ટેસ્ટમાંથી ૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે ૧પ૦ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી ૯૯ લોકો સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે. વડોદરા શહેરમાં આજે આવેલો ૧૯ પોઝિટિવ કેસમાં નાગરવાડા, રાવપુરા, યાકુતપુરા, હરણી-વારરિયા રિંગ રોડ, પાણીગેટ, વાઘોડિયા રોડ, ન્યાયમંદિર અને મોગલવાડા વિસ્તારના કેસો નોંધાયા છે.