વડોદરા, તા.ર૦
વડોદરા શહેરમાં કોરોના વાયરસના આજે વધુ ર૦ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેથી વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંક ૭૫૦ પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક ૩૫ ઉપર પહોંચ્યો છે. વડોદરામાં આજે વધુ ૧૨ દર્દીઓ કોરોના મુક્ત થતા વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૫૩ દર્દી સાજા થયા છે. હાલમાં વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની ૨૫૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે પૈકી ૧૪ની હાલત હજીપણ ચિંતાજનક છે જે પૈકી ૮ને ઓક્સિજન પર અને ૬ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખનાર, જાહેરમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂકનારાઓ પાસેથી પાલિકાએ અત્યાર સુધીમાં ૨૦.૪૫ લાખનો દંડ વસૂલ્યો છે અને ૧૨ દિવસમાં ૧૫ હજાર જેટલા સંભવિત સુપર સ્પ્રેડરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી ૧૯૪ અનફિટ મળી આવ્યા છે. જેઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫૨ કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.