વડોદરા, તા.૨

વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નં-૮ની કચેરીએ કોરોનામાં રેડ ઝોનમાં મૂકાયેલા નાગરવાડા અને તેની આસપાસના વિસ્તારો સીલ કરવા પતરાંની ખરીદી કરી હતી. આ પતરાંની ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા છે, ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો કરનાર સામાજિક કાર્યકર દ્વારા વોર્ડ કચેરી દ્વારા કૌભાંડ ઉપર પડદો પાડવા માટે નવા પતરાંને જૂના કરવાનો આક્ષેપ મૂકીને તપાસની માગણી કરતા ખળભળાટ મચી ગયો છે.

રેડ ઝોનમાં સંક્રમણ ન ફેલાય તે માટે વિસ્તારોને સીલ કરવા પતરાંની ખરીદી કરાઈ હતી. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કોરોના સંક્રમણના પ્રથમ તબક્કે વઘુ સંક્રમણ ન ફેલાય તે માટે પાલિકા દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા અને તે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નાગરિકો પ્રવેશ કરે નહીં અને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પતરાં મારીને જે-તે વિસ્તારોને સીલ કરવામાં આવી રહ્યા હતા. વોર્ડ નં-૮ની કચેરી દ્વારા કોરોનામાં રેડ ઝોનમાં મૂકાયેલા નાગરવાડા સહિત આસપાસના વિસ્તારોમાં સંક્રમણ ન ફેલાય તે માટે વિસ્તારોને સીલ કરવા માટે પતરાંની ખરીદી કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું કે, વોર્ડ નંબર-૮ની કચેરી દ્વારા પતરાંની ખરીદીનું બિલ રૂા.૨.૫૦ કરોડનું મૂકતા આ અંગે મેં તપાસ કરી હતી જેમાં રૂા.૧.૫૦ કરોડની કિંમતના પતરાંનુ બિલ રૂા.ર.૫૦ કરોડ મૂક્યું હતું. જે અંગે તપાસની માગણી કરી હતી અને બિલ ન મંજૂર ન કરવા માટે માગણી કરી હતી. ત્યારબાદ તપાસનો દોર શરૂ થતાં વોર્ડ નં-૮ની કચેરી દ્વારા પતરાંની ખીદીના કૌભાંડ ઉપર પડદો પાડવા માટે નવા પતરાં લાવી જૂના કરવાનો કારસો રચ્ચો હતો. જે કારસાનો આજે પર્દોફાશ કરાયો છે. વોર્ડ કચેરીના કમ્પાઉન્ડ ખાતે મૂકવામાં આવેલા પતરાંના ઢગલા પાસેથી નવા પતરાંને જૂના બતાવવા માટે વાપરવામાં આવેલા એસિડ જેવા કેમિકલની બોટલો મળી આવી છે. વોર્ડ નં-૮ની કચેરીના કાર્યપાલક ઈજનેર ધાર્મિક દવેએ પતરાંની ખરીદી અંગે થયેલા આક્ષેપો બાબતે જણાવ્યું કે, દરેક ઝોનમાં જે ભાવથી પતરાંની ખરીદી કરવામાં આવી છે અને કોવિડ-૧૯ની પરિસ્થિતિના કારણે ભાવ વધુ ચૂકવાયા છે. પતરાંની ખરીદીમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, આમ પણ હું આ કચેરીમાં દોઢ માસ પહેલાં જ બદલી થઈને આવ્યો છું. મારા કાર્યકાળમાં જે-તે વિસ્તારમાં સીલ મારેલા પતરાં કાઢવામાં આવ્યા છે. આજે સવારે બનેલી ઘટના અંગે મને કંઈ ખબર નથી.