વડોદરા,તા.૧ર
વડોદરા શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં અને મૃત્યુઆંકમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વડોદરામાં આજે વધુ ૮ લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલો મળ્યા છે. એક તબક્કે ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવી પહોંચેલા મૃતદેહોનો ભરાવો થતા અન્ય સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડોદરામાં આજે ફતેપુરા રાણા વાસના કાંતિલાલ રાણા (ઉ.વ.૮ર), માંજલપુર સદૈવ ડુપ્લેક્ષમાં રહેતા જયંતીભાઈ મીસ્ત્રી (ઉ.વ.પ૭), રાજમહેલ રોડના ૮ર વર્ષીયનું પારૂલ હોસ્પિટલમાં હાથીખાનાના ૭પ વર્ષીયનું ધીરજ હોસ્પિટલમાં આજવા રોડ ફાતેમા કોમ્પ્લેક્ષ ખાતે રહેતા ૭૦ વર્ષીય મહિલા વારસીયા રીંગ રોડ ઉપર આવેલી રવિપાર્ક સોસાયટીમાં રહેતા ૮૦ વર્ષીય વ્યકિત અને કાલુપુર શહીદ ચોકમાં રહેતા ૪૩ વર્ષીય વ્યકિતનું મોત નીપજયું હતું. મોડી રાતથી સવાર સુધીમાં ખાસવાડી સ્મશાનમાં કોરોના સંક્રમિત મૃતદેહોની સંખ્યા વધી જતા વડોદરાના અકોટા ખાતેના સ્મશાનમાં લઈ જઈ અંતિમ સંસ્કાર કરાવની ફરજ પડી હતી. નોંધનીય બાબત એ છે કે, કોરોના સંક્રમિતોની સંખ્યામાં અને મૃતદેહોમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોરોનાથી મૃત્યુ થયું હોવાનો ઈન્કાર કરવામાં આવી રહ્યો છે.