(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૬
કતારથી સ્વદેશ પરત ફરેલા ૭૦ લોકોને વડોદરામાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જો કે, છેલ્લા ર દિવસથી પાલિકા તરફથી તેમને પૂરતું ખાવાનું પણ અપાઈ રહ્યું નથી. અનલોકમાં વડોદરામાં કતારથી ૭૦ જેટલા યુવાનો આવ્યા છે અને તેઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ૭૦ લોકોને સયાજીપુરા ખાતેના આવાસોમાં રાખવામાં આવ્યા છે. જો કે, તેઓ દ્વારા પાલિકા તરફથી તેમને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. આ લોકોને શનિવારે ભોજન અપાયું ન હતું, તો રવિવારે જે પેક લંચ આપવામાં આવ્યું હતું તેમાં માત્ર ૩ રોટલી, ૧ ચમચી શાક, ૧ ચમચી ભાત અને પાણી જેવી દાળ આપવામાં આવી હતી જેના કારણે આ લોકો રોષે ભરાયા હતા અને પેટ ભરાય તેટલો ખોરાક પૂરો પાડવા રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, સરકારે પાલિકાને જે ગ્રાન્ટ આપી હતી તેમાં રપથી પ૦ લાખ કેટરિંગ સેવા પાછળ ખર્ચવામાં આવ્યા છે.