વડોદરા, તા.૬
વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલા ખંડેરાવ શાકભાજી માર્કેટ ચાલુ કરવા કાછિયા પટેલ સમાજ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. કાછિયા પટેલ સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ૭૨ દિવસથી માર્કેટ બંધ હોવાથી હવે સમાજના શાકભાજી વેપારીઓ પાસે ગુજરાન ચલાવવા અન્નનો દાણો રહ્યો નથી. બે દિવસમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો સોમવારથી સવિનય કાનૂન ભંગ કરી માર્કેટ શરૂ કરી દેવામાં આવશે.
કાછિયા પટેલ સમાજના અગ્રણી અને ભાજપના પૂર્વ કાઉન્સિલરે જણાવ્યું કે કાછિયા સમાજ દ્વારા ચુસ્ત પાલન કરવામા આવ્યું છે.
અનલોક-૧માં મોટાભાગના બજારો ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. પરંતુ, ખંડેરાવ શાકભાજી માર્કેટને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. શાકભાજીની લારીઓ ખંડેરાવ શાકભાજી માર્કેટમાં ૪૫૦ સત્તાવાર ૮૫૦ વેપારી વેપાર કરીને ગુજરાન ચલાવે છે. માર્કેટ બંધ રહેવાના કારણે વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. ઘરમાં અન્નનો દાણો રહ્યોં નથી.
વિસ્તારના ધારાસભ્ય સીમાબહેન મોહિલે, મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબહેન ભટ્ટે અને વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રાજ્ય સરકારને ખંડેરાવ માર્કેટ ચાલુ કરવા માટે માંગણી કરી છે. જો બે દિવસમાં માર્કેટ ચાલુ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે તો સોમવારથી વેપારીઓ દ્વારા જાતે જ માર્કેટ ચાલુ કરી દેવાનો નિર્ણય લીધો છે.