(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકતા આજરોજ મેયર એ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, બાયોલોજીસ્ટ, ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓ અને જુદા જુદા હેલ્થ વર્કરોની મીટીંગ રાખીને આરોગ્યલક્ષી ફોગીંગ, સ્વચ્છતા, સફાઈ, પાણીનો નિકાલ, દવા છંટકાવ સહિતની ઝુંબેશ સ્વરૂપે ઘનિષ્ઠ કામગીરી કરવા કહ્યું છે.
તેમનું કહેવું છે કે વરસાદી કાંસની સફાઈ બરાબર થઈ છે, તેનો પુરાવો એ કે ગંદા પાણીના મચ્છરો ઘટ્યા છે, પણ ચોખ્ખા પાણીમાં પેદા થતાં મચ્છરોને કારણે ચિકનગુનિયાના કેસ વધ્યા છે. ૨૦૨૦ને બદલે ૨૦૧૯ના કેસો તપાસી જોઈશું તો ચિકનગુનિયાના ૧૦૦ કેસ વધ્યા છે. ડેંગ્યુના ત્રણ સો કેસ ઓછા છે, પણ ચોખ્ખા પાણીથી પેદા થતા મચ્છરોને કારણે રોગચાળો ન વકરે તે માટે આ પાણીના નિકાલની ઘનિષ્ઠ કામગીરી કરવાની જરૂર છે. ખુલ્લી ટાંકીઓ, ટાયરો, અગાસી, વાસણો, કુંડા, ફ્રીજની પાછળની ટ્રે કે જેમાં ભેગા થતા ચોખ્ખા પાણીમાં મચ્છરોના ઈંડા જોવા મળે છે. આ વિગતો આરોગ્યના કર્મચારીઓએ આપી છે. જે ઘરે ચેકિંગમાં આવું મળે ત્યાં પાણીનો નિકાલ કરાવી, બીજીવાર ચેકિંગ કરવા જાવ જો પુનઃ એનું એ જ જોવા મળે તો નોટિસ આપો. કારણ કે સાર્વજનિક સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ શકે નહીં. ખુલ્લા પ્લોટમાં પાણી ભરાયા હોય ત્યાં નિકાલ કરી દવા અને પાઉડરનો છંટકાવ કરવા સૂચના આપી છે. ઇજનેરી વિભાગ સાથે સંકલન કરીને આ કાર્ય કરવા કહ્યું છે. પહેલા ફોગીંગમાં ડીઝલ વપરાતું હતું, એટલે ધુમાડો થતો હતો. હવે ધુમાડો થતો નથી, એટલે લોકોને ફોગીંગ બરાબર થતું નથી તેમ જણાય છે. વિસ્તારમાં લોકોના ઘરે ઘરે જઈ કમ્પાઉન્ડ સુધી ફોગીંગ કરવા સૂચના આપી છે, અને નવા તેમજ મોટા ફોગીંગ મશીન ખરીદવા તાકીદ કરી છે. તારીખ ૧૭થી મારૂ બીટ સ્વચ્છ બીટ સ્પર્ધા શરૂ થઇ રહી છે તે સંદર્ભે પણ ચર્ચા કરાઇ હતી.
વડોદરામાં ચેકિંગ બાદ બીજી વખત પાણીમાં મચ્છરના પોરા મળે તો નોટિસ ફટકારાશે

Recent Comments