(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
આર. ઇન્ટરનેશનલ ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફીસનાં સંચાલક કેદાર બુમિયા ઇ-ટિકિટના નામે કાળાબજાર કરતો હોવાની મળેલી માહિતીના આધારે સીઆઇડીના અધિકારીઓનો ઓચિંતો દરોડા પાડતા રૂા.૧ લાખથી વધુની કિંમત ધરાવતી ઇ-ટિકીટોનો જથ્થો મળી આવ્યો હતો.
વડોદરામાં તાંદલજા સ્થિત યોગી કુટીર સોસાયટીમાં રહેતા કેદાર બુમિયાની રેસકોર્સ સ્થિત રંજન સોસાયટીમાં આર. ઇન્ટરનેશનલ ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફીસ આવેલી છે. રેલવેની ઇ-ટિકીટનું બુકિંગ કરવા કેદાર બુમિયા અલગ-અલગ યુઝર આઇ.ડી.નો ઉપયોગ કરી ઇ-ટિકિટનો ગેરકાયદેસર વેપલો કરતો હતો. મોટાપાયે ઇ-ટિકિટનો વેપલો કરતા કેદાર બુમિયા અંગે સીઆઇડી સુધી ફરિયાદ થતાં ગુરૂવારની સવારે સીઆઇડીના અધિકારીઓ વડોદરા આવી પહોંચ્યા હતા. આરપીએફની મદદ લઇ આર.ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફીસે ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. ઓફીસની તલાશી દરમિયાન રૂા.૧ લાખથી વધુની કિંમત ધરાવતી ઇ-ટિકિટનો જથ્થો, લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઇલ ફોન (નંગ-૨), પર્સનલ યુઝર આઇડીનું લખાણ ધરાવતો કાગળ ડોંગલ સહિતનો મુદ્દામાલ મળી આવતા તે કબજે લેવામાં આવ્યો હતો. સીઆઇડી દ્વારા રેલવે એકટની કલમ-૧૪૩ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કેદાર બુમિયાના બે નોકરોની ધરપકડ કરી હતી.
વડોદરામાં ટ્રાવેલ્સની ઓફિસમાંથી ૧ લાખથી વધુની ઈ-ટિકિટો સાથે બે ઝડપાયા

Recent Comments