વડોદરા, તા.ર૬

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે પાલિકો શહેરના તળાવો, નદી, નાળાઓમાં કોઈપણ જાતની મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે અને તેનો ભંગ કરનારને પાંચ હજાર રૂપિયાનો દંડ અને કાયદાકીય કાર્યવાહી કરાશે તેવું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં દશામાનું વ્રત ચાલી રહ્યું છે અને છ દિવસ પૂર્ણ થયા છે. દસ દિવસના અંતે ઘરમાં સ્થાપના કરાયેલી દશામાની મૂર્તિનું વિસર્જન કરાય છે. હાલમાં શ્રદ્ધાળુઓમાં મૂર્તિનું વિસર્જન કેવી રીતે કરવું તેવો યક્ષપ્રશ્ન ઊભો થયો છે. અલબત્ત, ઘરમાં ઈકોફ્રેન્ડલી રીતે દશામાની મૂર્તિનું વિસર્જન થઈ શકે છે. આ દરમિયાનમાં મ્યુ. કમિશનર નલીન ઉપાધ્યાયે જારી કરેલા જાહેરનામા મુજબ કોરોનાની મહામારી ચાલી રહી છે અને સંક્રમણ અટકાવવા પાલિકા દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં કોઈપણ મૂર્તિઓનું વિસર્જન તળાવ નદી તેમજ નાળામાં કરી શકાશે નહીં અને જે કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તેમની સામે કાર્યવાહી કરીને પાંચ હજારનો દંડ વસૂલ કરાશે. એટલું જ નહીં આ નિયમનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ-૭ હેઠળ કાર્યવાહી કરાશે તેમ પણ જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવ્યું છે.