વડોદરા, તા.૬
અનલોક-૧માં સતત કોરોના સંક્રમિતના આંકમાં વધારો થઈ રહ્યો છે. સાથે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૩ કોરોના સંક્રમિત દર્દીના મોત નીપજ્યા છે. ત્રણેયની કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરા જિલ્લાના ડભોઈમાં વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને પગલે પટેલવગા, દેસાઈવાડ અને શિવપાર્ક સોસાયટીમાં અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. કોરોના સંક્રમિત મોતને ભેટેલી વ્યક્તિઓમાં આજવા રોડ ખાતેની મેમણ કોલોનીમાં રહેતા મહંમદ સલીમ છોટાની (ઉ.વ.૫૬)ની કોરોના વાયરસ હેઠળ સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. તેમની અંતિમવિધિ માતરિયા કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. આ સાથે વડોદરા નજીક ધીરજ હોસ્પિટલમાં ૩૮ વર્ષીય હિરેન સુરેશભાઈ સોનીને કોરોનાની સારવાર આપવામાં આવી રહી હતી. ટૂંકી સારવાર દરમિયાન સવારે તેઓનું મોત નીપજ્યું હતું. તેમની અંતિમવિધિ ખાસવાડી સ્મશાન, વડોદરા ખાતે કરવામા આવી હતી. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના છીપવાડમાં રહેતા ૭૨ વર્ષીય અમથાદાસ નટવરલાલ સોનીનું મોત નીપજ્યું છે. ૪ જૂનના રોજ તેઓને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદ તેઓને કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન તેઓનું આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું.