(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
વડોદરા શહેર જિલ્લામાં વિવિધ સ્થળોએ બનેલા વાહન અકસ્માતના ત્રણ વિવિધ બનાવોમાં ત્રણ વ્યકિતઓના મોત નિપજવા પામ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત અનુસાર જંબુસરના મગણાદ ગામે રહેતા અને ખેતીકામ કરતાં કલ્પેશભાઇ ચુનીલાલ પટેલનો પુત્ર દિક્ષીતભાઇ પટેલ પોતાની બુલેટ મોટરસાઇકલ લઇ પાદરા તાલુકાના મહુવડ ગામ રોડ પરથી રણુ ગામ તરફ આવી રહ્યાં હતા. તે વખતે ત્યારથી પુરપાટ ઝડપે જતી ઇકો કારના ચાલકે બુલેટને અડફેટમાં લેતા દિક્ષીત પટેલ રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઇજા પામેલ દિક્ષીતભાઇ પટેલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વડુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ડભોઇ રોડ પર રહેતા કમલેશભાઇ ભાઇલાલભાઇ શર્મા (ઉ.વ.૩૬) વહેલી સવારે પોતાની મોટરસાઇકલ લઇ અંબાવ ગામથી ડભોઇ તરફ જઇ રહ્યાં હતા ત્યારે અચાનક કમલેશભાઇએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઇક સ્લીપ થઇ ગઇ હતી. જેના પગલે કમલેશભાઇ રોડ પર પટકાતા દૂર બાજુમાં આવેલી પાણીના નિકાલ માટેની ચોકડીમાં પટકાયા હતા. ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કમલેશભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ત્રીજા બનાવમાં સાવલી તાલુકાના દોડકા ગામની સીમમાં એકસપ્રેસ હાઇવે પાસે રમતુબેન ખરાદીના પતિ મંગુભાઇ વાઘજીભાઇ ખરાદી (ઉ.વ.૫૦) દોડકા ગામ પાસે એકસપ્રેસ હાઇવે પર રોડ ક્રોસ કરી રહ્યાં હતા. તે વખતે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને મંગુભાઇને જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઇજા પામેલ મંગુભાઇનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે ભાદરવા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.