(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર૮
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ર૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૯૬૧ થઈ છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસથી આજે વધુ ત્રણ લોકોનાં મોત થયા છે. વાડી વચલી પોળ પ્રેમાનાંદ કવિની પોળમાં રહેતા ૬૭ વર્ષીય પ્રવિણચંદ્ર ડાહ્યાભાઈ પટેલનું મોત નિપજ્યું છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. દરમિયાન આજે સવારે તેઓનું મોત નિપજ્યું હતું. ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ચોખંડી વિસ્તારમાં આવેલા મોહનલાલ હાડવૈદના ખાંચામાં રહેતા પર વર્ષીય રાજેશભાઈ નટવરલાલ પટણીનું મોત નિપજ્યું હતું. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓનું વહેલી સવારે મોત નિપજ્યું હતું. આ ઉપરાંત વાડી ભાટવાડામાં રહેતા ૭૪ વર્ષીય શશીકાંત શંકરલાલ સોનીનું વહેલી સવારે મોત નિપજ્યું હતું તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૯૬૧ ઉપર પહોંચી ગઈ છે. સત્તાવાર મૃત્યુઆંક ૪ર ઉપર પહોંચ્યો છે. આજે વધુ ૧૮ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ પ૪૮ દર્દી કોરોનામુક્ત થયા છે.