(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
ગોરવા પંચવટી વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મી મેને રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત વિગતોનુસાર ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલ સંગીતા સોસાયટી વિભાગ નં.૨ મકાન નં.૪૩માં રહેતા સંદીપસિંગ હોશિયારસિંગ ચૌધરી (ઉ.વ.૩૮) આર્મીમાં નોકરી કરતા હતા અને દેશની સુરક્ષા કરતા હતા. જ્યારે તેમના પત્ની અમદાવાદ ખાતે સીઆઇએસએફ કંપનીમાં સુરક્ષા એજન્સીમાં ફરજ બજાવી રહ્યા છે. હાલ સંદીપસિંગ નિવૃત્તમય જીવન ગુજારતા હોય તેઓ બે સંતાનો સાથે રહેતા હતા. તેમને ગઇકાલે રહસ્યમય સંજોગોમાં તેમના બાળકો સુઇ ગયા બાદ તેમના બેડરૂમમાં વાયર વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આજે સવારે બાળકો ઉઠતા પિતાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડયા હતા. જેથી બાળકો હેબતાઇ ગયા હતા અને ચીસાચીસ કરી મુકી હતી. જેથી પાડોશીઓ દોડી આવ્યા હતા જો કે, સંદીપસિંગના મૃતદેહના જોતા પાડોશીઓએ તેમના પત્નીને આ બનાવની જાણ કરી હતી. જેથી તેમના પત્ની આ બનાવને પગલે અત્રે દોડી આવ્યા હતા આ બનાવની જાણ ગોરવા પોલીસને કરવામાં આવી હતી. પોલીસે બનાવ સંદર્ભે કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લવાયો હતો.