વડોદરા, તા.૬
શહેરમાં હવે લોકલ ટ્રાન્સમિશનથી વાયરસનો ચેપ લાગવાનો તબક્કો શરૂ થયો છે. લોકડાઉનમાં લોકોને જમવાની સેવા આપનાર ફિરોઝ પઠાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પુત્ર અને પાડોશીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે તેવામાં ૧૮ માર્ચથી સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ ૬ર વર્ષીય વૃદ્ધાનું આજે મોત નિપજ્યું છે, આમ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ ૧ર કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
અત્યાર સુધી વિદેશથી આવતા પ્રવાસીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળતા અને તેમાંથી જ કેટલાક રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે કેટલાકને હોમ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે આ તબક્કો અટક્યો છે અને લોકલ ટ્રાન્સમિશનનનો તબક્કો શરૂ થયો હોવાનું જણાઈ રહ્યું છે. ગતરોજ નાગરવાડાના ફિરોજ પઠાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ફિરોઝ લોકડાઉનના સમયે લોકોને જમવાનું પૂરી પાડવાની સેવા આપતા હતા, જેથી તેમના સંપર્કમાં આવેલા અને પરિવારના સભ્યો મળી ર૦ જેટલા લોકોને સ્ક્રીનિંગ માટે તાત્કાલિક લઈ જવાયા હતા. તેમજ મોડીરાત્રે પ૦થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં આજે ફિરોઝના પુત્ર અને તેના પાડોશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક બીજાના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હોવાનું મનાઈ રહ્યું છે, જેથી કહીં શકાય કે, હવે શહેરમાં વાયરસનો લોકલ ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થયો છે અને આ તબક્કો ખૂબ જ ગંભીર સાબિત થાય તેવી સંભાવનાઓ છે. રાહત સામગ્રી લઈને ફરતાં લોકો પર અંકુશ મૂકી નિયંત્રિત કરવા માટે હવેથી કોઈપણ વ્યક્તિ-સંસ્થાએ ફૂડ પેકેટ-રાહત સામગ્રીનું વિતરણ કરી શકશે નહીં અને જો તેઓને ફૂડ પેકેટ કે રાહત સામગ્રીનું વિતરણ કરવું જ હોય તો ખાદ્ય પદાર્થો સહિતની જે તે ચીજવસ્તુ ફરજિયાત પણે કલેક્ટર કચેરી અથવા મ્યુનિસિપલ કચેરી કે પછી સ્થાનિક પોલીસ મથકમાં સોંપી દેવાની રહેશે. સરકારી અધિકારી-કર્મચારી દ્વારા એ રાહત સામગ્રી જરૂરિયાતમંદ-ગરીબ વર્ગને પહોંચાડવામાં આવશે. જો આ સૂચનાનું કોઈ વ્યક્તિ પાલન નહીં કરે તો તેઓ વિરૂદ્ધ કાયદેસર ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નાગરવાડા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં એસડીઓ ડૉ.વિનોદ રાવે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં સખ્તાઈથી પાલન કરાવવા માટે આજથી કોઈપણ સેવાભાવી સંસ્થા કે, કોઈપણ વ્યક્તિને ફૂડ પેકેટ પહોંચાડવા સહિતના સેવાના કાર્ય માટે ઘર બહાર નીકળવા પર મનાઈ જાહેર કરાઈ છે. કોઈપણ એન.જી.ઓ.ને છૂટ આપવામાં આવશે નહીં. જે વ્યક્તિ કે, સંસ્થાને સેવા કરવી જ હોય તેઓ મુખ્યમંત્રી રાહત ફંડ કે, પી.એમ. કેર ફંડમાં નાણા જમા કરાવી શકે છે. રાહત તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવાની વ્યવસ્થા તંત્ર દ્વારા જ કરવામાં આવશે.