(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
બે વખત પ્રેમી સાથે ફરાર થઇ ગયેલી યુવતિ ત્રીજી વખત પોતાના પરિવારને સંબોધતી ચિઠ્ઠી લખીને પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતિનાં પિતાએ માંજલપુર પોલીસ મથકમાં દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર, અટલાદરા ગામમાં રહેતી અને શહેરની જાણીતી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી પુજા (નામ બદલ્યું છે) રંગ અવધુત ફાટક પાસે સાંઇ આર્કેડમાં રહેતા ક્રિષ્ણા જાદવ નામના યુવાનના પ્રેમમાં પાગલ છે. થોડા દિવસ પૂર્વે યુવતિ પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હતી. જેતે સમયે પરિવારજનો તેને સમજાવીને ઘરે લઇ આવ્યા હતા. તે બાદ પુનઃ એક વાર યુવતિ પ્રેમી ક્રિષ્ણાના ઘરે રહેવા જતી રહી હતી. ત્યારે પણ ગામના અગ્રણીઓ તેને સમજાવીને ઘરે પરત લઇ આવ્યા હતા. બે વખત પ્રેમી સાથે યુવતિ ફરાર થઇ જતાં પરિવારજનોએ યુવતિની સ્કૂલ બંધ કરાવી દીધી હતી.
પ્રેમીના પ્રેમમાં પાગલ પુજાએ પરિવારજનોએ સંબોધતી ચિઠ્ઠી લખીને બે જોડી કપડા લઇ પ્રેમી સાથે ત્રીજી વખત ફરાર થઇ ગઇ છે. પરિવારને સંબોધતી લખેલી ચિઠ્ઠીમાં યુવતિએ લખ્યું છે કે, હું મારા પ્રેમી સાથે જાઉં છું. મારી શોધખોળ કરશો નહીં. પરિવારની ઇચ્છા વિરૂદ્ધ પ્રેમી સાથે ફરાર થઇ ગયેલી દીકરીને પરત લાવવા માટે પિતાએ માંજલપુર પોલીસ મથકમાં પ્રેમી ક્રિષ્ણા જાદવ સામે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.