વડોદરા,તા.રર
વડોદરા શહેર નજીક હાઈવે ઉપર દુમાડ ચોકડી પાસે પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનાર પ્રેમી યુગલ પૈકી યુવાન છાણી ગામનો અને યુવતી પાદરાની રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને બંને પરિણીત હોવાનું પણ જાણવા મળ્યું છે.
છાણી પોલીસ મથકના પીએસઆઈ એન.એસ. વસાવાએ જણાવ્યું હતું કે, છાણી ગામમાં ભગત મહોલ્લામાં રહેતા પરિણીત વિક્રમ માળી (ઉ.વ.ર૬) તથા પાદરાના માળી મહોલ્લામાં રહેતી પરિણીત હેમા માળી (ઉ.વ.ર૯) વચ્ચે પ્રેમ સંબંધ હતો. મોડી રાત્રે બંને દુમાડ ચોકડી પાસે આવેલા મંદિર પાસે ભેગા થયા હતા અને ત્યાં તેઓએ ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ બરેભાન થઈ જતા સ્થાનિકોએ તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જયાં તેઓના ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે બંનેના લગ્ન થઈ ગયા હતા. લગ્ન પછી પણ તેઓનો પ્રેમ સંબંધ ચાલુ રહ્યો હતો. વિક્રમ પોતાની ધર્મની પત્ની અને પ્રેમિકા હેમા બંનેને પોતાના ઘરમાં રાખવા માગતો હતો. પરંતુ હેમાને તે મંજૂર ન હતું. દરમ્યાન વિક્રમ અને હેમાએ સમસ્યાનો અંત લાવવા માટે એક સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવ અંગે છાણી પોલીસ મથકમાં આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.