(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૦
વડોદરા પ્લાસ્ટિક મેન્યુફેકચરીંગ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા પ્લાસ્ટિકના સદ્‌ઉપયોગ વિશે જનજાગૃતિ લાવવાના ભાગરૂપે મૌન રેલી કાઢવામાં આવી હતી. ગાંધીનગર ગૃહથી નિકળેલી રેલીમાં મોટી સંખ્યામાં પ્લાસ્ટિક ઉત્પાદકો, ટ્રેડર્સ અને કર્મચારીઓ તેમજ હાલોલના ઉત્પાદકો પણ જોડાયા હતા. પ્લાસ્ટિ પર્યાવરણનું દુશ્મન નથી. સરકારના આ નિર્ણયથી હજારો લોકો બેકાર થઇ જશે જેવા બેનરો તથા પોસ્ટરો સાથે નિકળેલી મૌન રેલી અમદાવાદી પોળ, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, દાંડિયા બજાર ચાર રસ્તા, ખંડેરાવ માર્કેટ સ્થિત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં ડે.મ્યુનિ. કમિશનર એસ.કે. પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
એસોસિએશન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાને બદલે રી-સાઇકલીંગ કરવાની વ્યવસ્થા ઊભી કરવી જોઇએ. પ્લાસ્ટિકથી પ્રદૂષિત થતું નથી. પ્લાસ્ટિના વિકલ્પરૂપે, કાગળરૂપે કપડાની થેલી છે. પરંતુ કાગળ માટે જંગલનો વિનાશ થશે. કાગળની થેલીઓ માટે પાણીનો વધુ ઉપયોગ થશે જેથી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાને બદલે રી-સાઇકલીંગની વ્યવસ્થા ઊભી કરવા જણાવવામાં આવ્યું છે. સીંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાથી ગુજરાતમાં જ ૬૦ લાખ લોકો બેકાર થઇ જશે. અનેક પ્લાસ્ટિક યુનિટોના મશીનો ભંગાર થઇ જશે. જેથી બેંકોમાં એમ.પી.એ. વધી જશે. અમે સ્વચ્છ ભારત અભિયાનનું સમર્થન કરીએ છીએ. પરંતુ તેના માટે સીંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવો વિકલ્પ નથી. બીજો વિકલ્પ શોધવો જરૂરી છે.