વડોદરા,તા.૮
નાગરવાડા પટેલ ફળિયાના રહેવાસી અને જરૂરિયામંદોને ભોજન સેવા આપતા વડીલ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવવાને પગલે ગીચ વસ્તી ધરાવતા નાગરવાડા પટેલ ફળિયા અને સૈયદપુરા વિસ્તારમાંથી, પોઝિટિવ વ્યક્તિના પરિવારજનો અને સંપર્કમાં આવ્યાની સંભાવના ધરાવતા વ્યક્તિઓના કોરોના ચકાસણી માટે માસ સેમ્પલ લેવાનો અભિગમ વડોદરામાં સાવચેતી અને તકેદારીના ભાગરૂપે પ્રથમવાર અપનાવવામાં આવ્યો છે. તેમ જિલ્લા ક્લેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું છે. આ વિસ્તાર હાલમાં ક્લસ્ટર કંટેન્મેંટ હેઠળ છે એટલે એને સંપૂર્ણ પણે લોકડાઉન કરીને સઘન સર્વે દ્વારા હાઈ રિસ્ક અને રોગના લક્ષણો ધરાવતા વ્યક્તિઓની ઓળખ કરી તારવણી કરવામાં આવે છે અને એમને સારવાર પર મૂકવામાં આવે છે.
મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ પાસેથી મળતી જાણકારી પ્રમાણે ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૬૯ જેટલાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી ૬૪ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. એમને પણ તકેદારીના ભાગ રૂપે હોમ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ચાર સેમ્પલ હજી ચકાસણી હેઠળ છે અને એક કોરોના પોઝિટિવને સઘન સારવાર હેઠળ મૂકવામાં આવ્યો છે.