(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૯
વાડી હનુમાન પોળ ખાતે આવેલા શ્રીજીધામ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલા મકાનમાં આગ ફાટી નિકળતા મકાનમાં હાજર ૨૫ વર્ષીય યુવક બળીને ભડથું થઇ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવને પગલે દોડી આવેલા ફાયર બ્રિગેડનાં લાશ્કરોએ દરવાજો તોડીને આગને કાબુમાં લીધી હતી. યુવકે અગ્નિસ્નાન કર્યું છે કે, અકસ્માતે આગમાં તે ભોગ બન્યો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર વાડી હનુમાન પોળમાં આવેલા શ્રીજીધામ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે મકાન નં.૩૦૧માં રહેતા લીલાબેન કનૈયાલાલ પરદેશી અને તેમનો પુત્ર સતીષ પરદેશી (ઉ.વ.૨૫) સાથે રહે છે. આજ રોજ લીલાબેન કામ અર્થે હરણી ગયા હતા. દરમિયાન સતીષ ઘરનો દરવાજો બંધ કરી ઘરમાં હતો તે દરમિયાન અચાનક મકાનમાં આગ ફાટી નિકળી હતી અને ધુમાડા નિકળતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ગાજરાવાડી ફાયર બ્રિગેડનાં જવાનો તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યા હતા અને દરવાજો તોડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. તપાસમાં મકાનમાં લાગેલી આગમાં ભડથું થઇ ગયેલ સતીષ પરદેશીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ થતા વાડી પોલીસ પણ તાત્કાલીક સ્થળ પર દોડી આવી હતી તથા સતીષ પરદેશીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી તેને અગ્નિસ્નાન કર્યું છે કે, મકાનમાં આગ લાગતા તેનો ભોગ બન્યો છે તે તરફ પણ તપાસ શરૂ કરી છે.