વડોદરા,તા.૯
વડોદરા શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ મહિલાઓ કરતા પુરૂષોમાં ડબલ જોવા મળ્યું છે. વડોદરામાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના વાયરસના કુલ ર૭૮પ પોઝિટિવ કેસમાંથી ૬પ.૧૦ ટકા પુરૂષો કોરોનાના સંક્રમિત થયા છે. જયારે માત્ર ૩૪.૯૦ ટકા જ મહિલાઓ કોરોના સંક્રમિત થઈ છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે.જો કે આ દરમ્યાન પુરૂષોની સરખામણી મહિલાઓ કોરોનાના સંક્રમણથી બચતી જોવા મળી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ ર૭૮પ પોઝિટિવ કેસમાંથી ૧૮૧૩ પુરૂષ કોરોના પોઝિટિવ આવ્યા છે. જયારે ૯૭ર મહિલામાં જ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. આમ પુરૂષોની સામે અડધી મહિલાઓ જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે.
વડોદરામાં કોરોના વાયરસના માત્ર ૭૦૯ એકિટવ કેસ છે. જેમાંથી ૧૧૭ દર્દી ગોત્રી હોસ્પિટલમાં, ૯૭ દર્દી સયાજી હોસ્પિટલમાં, રપ૭ દર્દી ખાનગી હોસ્પિટલમાં અને ૧૭ દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે, જયારે રર૧ દર્દી હોમ આઈસોલેશનમાં છે.