(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨
નવાબજારમાં આવેલી લાઇનીંગની દુકાન અને ઘરમાં સળગતા કાકડો ફેકી નુકશાન પહોંચાડવાના બનાવમાં સંડોવાયેલા મનાતા માથાભારે બંટી પંડયા અને તેના સાગરીતને પોલીસે દબોચી લીધો હતો. આજે બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજુ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.પ્રાપ્ત માહિતીનુસાર બાજવાડા શ્રેય સાધક હોલ પાસે રહેતાં રાજેશ ટેલરની મીરાદાતારના ટેકરા પાસે ગૌતમ લાઇનીંગની દુકાન આવેલી છે. મંગળબજારનો માથાભારે સમીર ઉર્ફે બંટી પંડયાને તેની પત્ની સાથે રાજેશ ટેલરનાં ભાણેજ મયંક ટેલરનાં આડા સંબંધો હોવાની શંકા હતી. આથી ગત શુક્રવારની વહેલી સવારે માથાભારે સમીર ઉર્ફે બંટી અને તેનો સાગરીત ઇમરાન અનવર શેખ ધસી આવ્યા હતા.
દુકાનમાં જવલનશીલ પ્રવાહી છાંટી દીધા બાદ આગચંપી કરી હતી. ત્યારબાદ શ્રેયસાધક પાસે આવેલ મકાનની ઓસરીમાં પણ સળગતો કાકડો ફેકી બંને ફરાર થઇ ગયા હતા. સીટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી હતી.