(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૫
શહેરનાં ભાયલી વિસ્તારમાં મોબાઇલ શોપ ધરાવતો વેપારી ધૂળેટીની રાતથી રહસ્યમય સંજોગોમાં ગુમ થવાનાં બનાવમાં જિલ્લા પોલીસે વિવિધ ટીમો પાડી તેના પરિવાર અને મિત્રોનાં નિવેદનો આજે નોંધી તપાસ શરૂ કરી હતી. યુવાન વેપારીની કાર શેરખી રોડ પરથી બીનવારસી હાલતમાં મળી આવી છે. કારમાં લોહીનાં ડાઘ અને સેન્ડલ મળી આવતા યુવાનનાં પિતાએ રૂપિયાની લેવડ-દેવડ સંદર્ભે પોતાનો પુત્રને ગુમ કરવામાં આવ્યો હોવાની શંકા વ્યકત કરી હતી.
ભાયલી ગામનાં લીલા દરવાજા ખાતે રહેતાં અશ્વિન ભાઇલાલભાઇ પટેલ મોબાઇલનો વ્યવસાય કરે છે. તેમનો પુત્ર ભૌમિક (ઉ.વ.૨૪) પાદરાની રીધમ મોબાઇલ શોપમાં શાહરૂખ અને બિલાલ સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. અગાઉ ભૌમિક સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. ચાર વર્ષ અભ્યાસ કર્યા બાદ તે પરત આવી ગયો હતો. ભૌમિક હોળીનાં દિવસે તેની પત્નીને પિયર વિદ્યાનગર મુકી આવ્યો હતો. ધુળેટી પાદરા જઇને બપોરે પરત આવ્યા બાદ સાંજ સુધી પિતાની દુકાને બેઠો હતો. જ્યાંથી સાડા સાતનાં સુમારે સાંજે ઘરે જવાનું કહીને દુકાનેથી નિકળ્યો હતો. પોતાનો પુત્ર ઘરે નહીં આવતા અશ્વિનભાઇએ પુત્રનાં મોબાઇલ ઉપર સંપર્ક કર્યો હતો. તેનો ફોન પણ સ્વીચ ઓફ બતાવતો હતો. દરમ્યાન રવિવારે ભૌમિકની કાર અંકોડીયા શેખી રોડ પર પીરોદનગર પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી. તેમાં લોહીનાં ડાઘ હતા. આ બનાવની જાણ તાલુકા પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતાં કારમાંથી ભૌમિકનાં સેન્ડલ પણ મળ્યા હતા. પોલીસે એફ.એસ.એલ.ની મદદ મેળવી તપાસ હાથ ધરી હતી. એલ.સી.બી. પો.ઇ. ડીબી બારદ અને તાલુકા પો.સ.ઇ. કે.જે. ઝાલા સહિતની ૮ ટીમોએ પાદરા, અંકોડીયા સહિત જુદા જુદા વિસ્તારોમાં તપાસ કરી હતી. પરંતુ પોલીસને કોઇ મહત્વની કડી હાથ લાગી ન હતી.