(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
રિઝર્વ બેંક દ્વારા સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેંક પર કલમ ૩૬એસી હેઠળ પ્રતિબંધ મૂકીને નાણા ઉપાડવાની મર્યાદા પ૦ હજાર કરી નાખતા લોકો અટવાઈ ગયા છે. વડોદરા શહેરની યસ બેંકની તમામ બ્રાંચો પર લોકોએ રૂપિયા ઉપાડવા માટે લાઈનો લગાવી હતી અને ઘણા લોકો ૩ કલાક સુધી અટવાઈ ગયા હતા. કારેલીબાગ ખાતે આવેલી બ્રાંચમાં લોકો સવારે ૯ઃ૩૦ વાગ્યાથી લાઈનમાં ઊભા રહી ગયા હતા તેમ છતાં લોકોને રૂપિયા મળ્યા નહોતા. સિનિયર સિટિઝન વાસુદેવભાઈએ જણાવ્યું હતું કે, મારા જીવનની તમામ મૂડી મેં યસ બેંકમાં મૂકાવી દીધી છે. હવે માત્ર પ૦ હજાર રૂપિયા જ ઉપાડી શકું છું, તેથી ચિંતા થાય છે પણ આશા છે કે, બેંક સંકટમાંથી બહાર આવી જશે.
યસ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે આવેલા આદિત્ય રંગનાનીએ જણાવ્યું હતું કે, હું કોલ સેન્ટરમાં નોકરી કરૂં છું. વહેલી સવારે નોકરી પરથી આવીને સૂઈ ગયો હતો. મારા મિત્રનો ફોન આવ્યો હતો કે, યસ બેંક સંકટમાં છે, જેથી હું તુરંત જ બેંક પર આવી ગયો છું, મારો પગાર થયો છે પણ લાંબી-લાંબી લાઈનો હોવાથી હું રૂપિયા ઉપાડી શક્યો નથી. મારે રાત્રે ફરીથી નોકરી ઉપર જવાનું હોવાથી હું મુશ્કેલીમાં મૂકાઈ ગયો છું. કન્સ્ટ્રક્શનનું કામ કરતા ગ્રાહકે જણાવ્યું હતું કે, મારે ઘણા લોકોના પેમેન્ટ કરવાનું છે પણ હજી સુધી રૂપિયા મળ્યા નથી. રૂપિયા ઉપાડવાની લિમિટ વધારીને અઢી લાખ રૂપિયા સુધી કરવી જોઈએ.