વડોદરા, તા.૪

વડોદરા નજીક ભાયલી ખાતે રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારી યુવાને યુવતીને તરછોડી દીધી હતી.  આ અંગેની વિગત એવી છે કે વાસના ભાયલી રોડ પર આવેલ ડિવાઇન હાર્મની ખાતે રહેતો અભિષેક હિતેશ ઠક્કરે પોતાની સાથે નોકરી કરતી એક યુવતી સાથે બે વર્ષ પહેલા મિત્રતા કેળવી હતી.

અભિષેકે યુવતીને લગ્નની લાલચ આપી મોટા સ્વપ્ના બતાવતા યુવતીએ તેના પતિ સાથે પણ છૂટાછેડા લઇ લીધા હતા ત્યારબાદ યુવતીને પોતાના ઘરમાં લાવી પત્ની તરીકે અભિષેકે રાખી હતી. યુવતી અભિષેકના ઘરમાં પુત્રવધુ તરીકે જ રહેતી અને ઘરનું કામકાજ પણ કરતી હતી તેમજ નોકરી પણ સાથે જતી હતી.

અભિષેકની નોકરી છુટી જતા યુવતીએ કમાયેલી આવક પણ અભિષેક પાછળ ખર્ચ કરી દીધી હતી. દરમ્યાન યુવતીને જાણવા મળ્યું હતું કે નોકરીમાં સાથે કામ કરતી અન્ય એક યુવતી સાથે પણ અભિષેક સંબંધ રાખે છે અને તેની સાથે તે લગ્ન કરવા માગે છે.  યુવતીએ અભિષેકને આ અંગેની જાણ કરતા અભિષેક ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીનો સામાન ઘરની બહાર ફેંકી દઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે યુવતીએ અભિષેક સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.