(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩૧
નવા વર્ષને આવકારવા યુવાવર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે મધરાત્રીએ યુવાવર્ગ ફતેગંજ વિસ્તારમાં આવેલ ચર્ચ પાસે ભેગું થયું હતું. માર્ગ ઉપર ભારે ભીડ જોવા મળી હતી. ભીડને કાબુમાં લેવા પોલીસે પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. શહેરની કેટલીક હોટલોમાં કેટલાક ફાર્મહાઉસ ખાતે થર્ટી ફસ્ટની મધ્યરાત્રિએ રંગીન મહેફીલ ડાન્સ અને ડિનર પાર્ટીના આયોજન કરવામાં આવ્યું હતું. શહેર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. યુવાધને નાચગાન સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.
શહેરનું યુવાધન દ્વારા થર્ટી ફસ્ટ માટે હોટલો અને ફાર્મ હાઉસ તથા દૂર સુદૂર વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસ અથવા તો માલિકીની મનાતી જગ્યાઓમાં મહેફીલ, ડાન્સ પાર્ટી અથવા થર્ટી ફસ્ટની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેગંજ તરફ જતા મુખ્ય માર્ગ પર તા.૩૧મીની રાત્રિના ૮થી વહેલી સવાર સુધીનો એન્ટ્રી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પાર્ટી પ્લોટ રેસ્ટોરન્ટ અને હોટલો સિવાય અન્ય સ્થળોએ રાખવામાં આવનાર થર્ટી ફસ્ટની પાર્ટીની સાથે હુક્કાના શોખીનો માટે હુક્કાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
શહેર પોલીસ તંત્ર દ્વારા પીધેલી વ્યકિતઓને પકડવા બ્રેથ એનલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવ્યું હતું. ખાણી પાણીની લારીઓ તેમજ હોટલ રેસ્ટોરન્ટ સ્થળોએ પણ વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. શહેરના ફતેગંજ વિસ્તારમાં દર વર્ષની જેમ રાત્રીના સમયે યુવાવર્ગ મોટી સંખ્યામાં માર્ગ પર ઉમટી પડયું હતું અને નવા વર્ષને આવકારવા ચીચીયારીઓ સાથે ડાન્સ કર્યું હતું. શહેરના ફતેગંજ, નિઝામપુરા, મકરપુરા, તાંદલજા સહિતના વિસ્તારોમાં આવેલા ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. નવા વર્ષને આવકારવા ખાસ પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ પર્વની આડમાં દારૂ પીવાના શોખીનોને ઝડપી પાડવા પોલીસે બાજનજર રાખી હતી.