(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
વડોદરામાં આવેલા જંકશનો પૈકી ૨૫ જંકશનો પર લાગેલા બેનરો હોર્ડિંગ્સ અને લારી-ગલ્લાના દબાણોને દુર કરવાની પાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે જે પૈકી આજે પાલિકાની બે ટીમોએ આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને ડેરી ત્રણ રસ્તા નજીકથી લારી-ગલ્લાના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
શહેરમાં દિવસે-દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે ત્યારે વિવિધ મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સરળતા અને સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારો તેમાં ખાસ કરીને પ્રથમ તબક્કે ૪૦ મીટર અને ૩૬ મીટરના રોડ પરના તમામ મુખ્ય રસ્તા પરના જંકશનો પર નિયમ મુજબ કવેચર માર્કિંગ કરી સુચિત જંકશનની જગ્યાઓમાં કોઇપણ લારી-ગલ્લાના દબાણો હોય તો તેને દૂર કરવાની સૂચના સાથે પરિપત્ર જાહેર કર્યો હતો. ઉપરાંત જંકશનો પર તેમજ જંકશનનાં સેન્ટરથી ૫૦ મિ.ની. બહાર જાહેર ટ્રાફિક સલામતી જોખમાય નહીં તેવી રીતે હોર્ડિંગ બોર્ડ લગાડવા, જંકશનના સર્કલ પર તેમજ સ્ટેચ્યુ ઐતિહાસિક ઇમારતો બહાર હોર્ડિંગ નહીં લગાડવા જ્યારે હોર્ડિંગ બોર્ડ લગાડતી વખતે વાહન ચલાવનારના વિઝનમાં અવરોધ ન આવે તે મુજબ લગાડવા અને હોર્ડિંગ બોર્ડમાં ટ્રાફિક સિગ્નલને અવરોધ ન થાય તે રીતે તથા બાંધકામ પરવાનગીના નિયંત્રણો નિયમોને ધ્યાને લઇ લગાડવા સંદર્ભે પણ પરિપત્રમાં જણાવ્યું છે.
પરિપત્રના અનુસંધાને કોર્પોરેશનનાં વિવિધ વિભાગો દ્વારા દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલ ૨૫ સર્કલો, જંકશનો પર માર્કિંગ કરવામાં આવ્યું હતું. આજે દબાણ શાખાએ પૂર્વ વિસ્તારમાં મહાવીર ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા, ઉમા ચાર રસ્તા, સરદાર એસ્ટેટ, પરિવાર ચાર રસ્તા, ગુરૂકુલ ચાર રસ્તા સહિતના સ્થળોએ હંગામી દબાણો દૂર કરાવ્યા હતા. જ્યારે દક્ષિણમાં દરબાર ચોકડી, સાંઇ ચોકડી, પ્રમુખ પ્રસાદ, કલ્પતરૂ, સરસ્વતી ચાર રસ્તા, શ્રેયસ સર્કલ, દિપ ચેમ્બર્સ, કબીર કોમ્પલેક્ષ, તુલસીધામ સહિતના સ્થળોએથી ૧૩ ટ્રક ભરી હંગામી દબાણો દૂર કર્યા હતા. તેમજ ૧૦ બોર્ડ, હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા.