(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.રપ
શહેરમાં લોકડાઉનના પગલે પોલીસે કડક નાકાબંધી કરીને કામ વગર બહાર નીકળનારા સામે કડક કાર્યવાહી કરી હતી જેમાં ૧૯૦ વાહનો ડિટેઈન કરીને વાહનચાલકો પાસેથી દંડ વસૂલાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ઝોન-૧ વિસ્તારમાં પોલીસે ૩૩ વાહનચાલકો, ઝોન-ર વિસ્તારમાં ૧૩ વાહનચાલકો, ઝોન-૩ વિસ્તારમાં ૩પ વાહનચાલકો તથા ઝોન-૪ વિસ્તારમાં ર૦ વાહનચાલકો, જ્યારે ટ્રાફિક પોલીસે અલગ-અલગ વિસ્તારમાં ૮૯ વાહનો ચાલકો સામે કાર્યવાહી કરી તેમના વાહન ડિટેઈન કર્યા હતા અને તેમની પાસેથી ૧૭,૧૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો. જિલ્લા પોલીસે વડોદરા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ટેક્સી અને મેક્સી પાસિંગના વાહનો પર પણ પ્રતિબંધ હોવાથી ગેરકાયદે મુસાફરોનું પરિવહન કરનારા પ૦થી વધુ વાહનો જપ્ત કરાયા હતા. કેટલાક કારણ વગર ફરતા યુવકોને પોલીસે ઉઠક-બેઠક કરાવડાવી હતી.