વડોદરા, તા.૩
કોરોના વાયરસની મહામારીના પગલે મુશ્કેલીમાં મુકાઈ ગયેલા લોકોના વીજ બિલ માફ કરવાની માગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીના એમડીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીના વ્યાપને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં લોકો ઘરમાં બેસી રહ્યા છે. લોકોના રોજગાર બંધ રહેવાના કારણે કોઈ આવક થઈ નથી. કેટલાક લોકોની નોકરીઓ છૂટી ગઈ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન ખુલતાની સાથે વીજ બિલો આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકાર માત્ર પોતાની આવકનું વિચારી રહી છે. પ્રજાની આવકનું વિચારતી નથી. આજે શહેર કોંગ્રેસ દ્વારા રેસકોર્ષ સર્કલ પાસે મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીમાં એમડીને આવેદનપત્ર આપ્યું છે. જેમાં મધ્ય ગુજરાતના વીજ ગ્રાહકોએ ૩ માસના લાઈટ બિલ માફ કરવાની માગણી કરી છે. વડોદરા શહેર કોંગ્રેસના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરીને જોડાયા હતા.