(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૬
દિવાળીપુરા સ્થિત નવી કોર્ટમાં બેઠક વ્યવસ્થાને પગલે થયેલા વિવાદમાં વકીલોએ ભૂખ હડતાળ બાદ આજથી પોતાની કામગીરી શરૂ કરી હતી. જોકે વકીલોએ શેતરંજી પર બેસી કામગીરી શરૂ કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. દિવાળીપુરા સ્થિત નવીન કોર્ટમાં બેઠક વ્યવસ્થાના મુદ્દે વકીલોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને જ્યાં સુધી આ મુદ્દો ન ઉકેલાય ત્યાં સુધી ભૂખ હડતાળની ચિમકી ઉચ્ચારી હતી. જેમાં સીનીયર વકીલોએ ચીફ જસ્ટીસ સાથે બેઠક યોજી આ વિવાદનો ઉકેલ લાવવાના ભાગરૂપે બેઠક વ્યવસ્થા મુદ્દે ઠરાવ પસાર કરવાનું જણાવતા અંતે વકીલોએ પારણા કર્યા હતા. જો જ્યાં સુધી યોગ્ય બેઠક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી વકીલોએ કોર્ટમાં જમીન પર શેતરંજી પાથરીને તેના પર કામગીરી કરી વિરોધ દર્શાવશે તેમ જણાવ્યું હતું. આજે સવારે નવી કોર્ટમાં પહોંચેલા વકીલો પોતાની સાથે શેતરંજી લઇને આવ્યા હતા અને કોર્ટમાં જમીન પર બેસી વકીલાતની કામગીરી શરૂ કરી હતી.