(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
વડોદરાની નવી બંધાયેલ કોર્ટમાં સોમવારે પોલીસે વકીલો ઉપર કરેલા લાઠીચાર્જનાં વિરોધમાં તેમજ બેઠક વ્યવસ્થા મુદ્દે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયેલા વકીલોએ આજે કોર્ટનાં દરવાજે પોલીસ અને ડિસ્ટ્રીકટ જજ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. પોતાની માંગણીઓને લઇને સાત વકીલો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. પોલીસે કરેલા લાઠીચાર્જનાં વિરોધમાં વડોદરા જિલ્લાનાં પાદરા, ડભોઇ, સાવલી સહિતનાં બાર એસોસીએશનને પણ વિરોધ નોંધાવી હડતાળ પાડી હતી. મહિલા વકીલોએ કોર્ટનાં દરવાજે બેસી ધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો. સોમવારની રાત્રે ગોત્રી પોલીસ મથકમાં વકીલો સામે ફરિયાદ નોંધાતા વકીલોમાં ભારે રોષ ફેલાયો છે. આજે પણ કોઇ નિર્ણય નહીં આવતા હડતાળ ચાલું રહેશે તેવી વકીલોએ ચીમકી ઉચ્ચારી હતી.
૧૩૦ કરોડનાં ખર્ચે એશિયાની સૌથી મોટી જિલ્લા અદાલતનું શનિવારે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કર્યા બાદ સોમવારે બેઠક વ્યવસ્થાને પગલે વકીલો હોબાળો મચાવી ડિસ્ટ્રીકટ જજની ઓફિસમાં તોડફોડ કરી હતી. પોલીસે વકીલો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. ડિસ્ટ્રીકટ કોર્ટનાં રજીસ્ટ્રાર પ્રકાશ મનહરલાલ ત્રિવેદી (રહે. શ્યામલ, સેફાયર, ગોત્રી વાસણા રોડ) એ રશીદ વ્હોરા, નેહલ સુતરીયા, આચાર્ય ભાઇસાહેબ, દેવલબેન ભટ્ટ, બી.એસ. નિલક, નિમિષા ધોત્રે, રાજેશ ધોબી સહિત ૧૦૦ થી ૧૫૦ વકીલો સામે ફરિયાદ નોંધાવતા વકીલોમાં રોષ ફાટી નિકળ્યો હતો. વકીલ મંડળે જ્યાં સુધી બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી તેમજ પોલીસે કરેલા બળપ્રયોગનાં વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાળનાં ભાગરૂપે આજે વકીલોએ કોર્ટ કાર્યવાહી અલીપ્ત રહી દરવાજા પાસે બેસી જઇ ધૂન બોલાવી દિવસ દરમ્યાન દેખાવો કર્યા હતા. વકીલોની હડતાળને પગલે ગુજરાત હાઇકોર્ટનાં જજ બેલાબેન ત્રિવેદી વડોદરા ડિસ્ટ્રીકટ જજ અને સિનીયર એડવોકેટર્સ વચ્ચે થયેલી બેઠકમાં કોઇ નિવેડો આવ્યો ન હતો. જેથી વકીલોએ પોતાની હડતાળ ચાલું રાખવાનું એલાન આપ્યું હતું. આજે રીતેષ ઠક્કર, હિતેશ ગુપ્તા, નેહલ સુતરીયા, જેમ્સ મેકવાન, મિતેશ વેદાણી, પંડિત તિવારી એમ સાત વકીલો કોર્ટનાં ગેટ પાસે અમરણાંત ઉપવાસ પર બેઠા હતા. આ વકીલોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી બેઠક વ્યવસ્થા નહીં ફળવાય ત્યાં સુધી અમરણાંત ઉપવાસ ચાલું રહેશે. વકીલોનું કહેવું છે કે, અમારી સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેનો અમે વિરોધ કરીએ છીએ. વડોદરા બાર એસોસીએશનનાં પૂર્વપ્રમુખ રણજીત રાઠોડે જણાવ્યું હતું કે, અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. જેથી આજે પણ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહ્યાં હતા. અમારી માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારૂ આંદોલન ચાલું રહેશે.