(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૯
વડોદરા શહેરમાં કોરોનાને કારણે આજે વધુ બે મહિલાનાં મોત નિપજ્યા છે, જ્યારે વધુ ૧૬ નવા કોરોના પોઝિટિવના દર્દી જણાઈ આવ્યા છે, તેમાં દિલ્હીના ત્રણ અને વડોદરાના ચાર મળી સાત પત્રકારોનો પણ સમાવેશ થાય છે. વડોદરાના બનિયન સિટી ડુપ્લેક્સ ખાતે રહેતા ૬૬ વર્ષના મોહિનીબેન બ્રહ્મખત્રી અને ૭પ વર્ષના વારસિયા ગુલશન એપાર્ટમેન્ટમાં રહેતા સલમાન બીબી મન્સુરીનું ગઈ મોડીરાત્રે મોત નિપજ્યું હતું, જેથી મૃત્યુઆંક સત્તર પર પહોંચ્યો છે, જ્યારે કોરોનાના ૧૮ર ટેસ્ટ લેવામાં આવ્યા હતા, જેમાંથી આજે વધુ સોળ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જેથી વડોદરામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ર૭૯ થઈ છે. વડોદરા શહેરના સાઠ દર્દીઓ કોરોનાની સારવાર પૂરી કરીને ઘરે પરત ફર્યા છે. હાલ કોરોના સંક્રમિત દર્દીઓ ગોત્રી હોસ્પિટલ, આજવા સ્થિત બાવાની ઈબ્રાહિમ આઈટીઆઈ કોવિડ કેર સેન્ટર અને હાઈસ્પીડ રેલ ભવન સ્થિત કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા છે, જ્યારે નાગરવાડાના રેડઝોન વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ઉચ્ચ અધિકારીઓએ રાહત અનુભવી છે. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાતા નાગરવાડાને રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેથી આ વિસ્તારમાં લાંબા સમયથી ફરજ બજાવતા ૩૬ પોલીસ જવાનોના કોરોના ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જો કે, તમામ કર્મીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેમાં કારેલીબાગના પીઆઈ આર.એ. જાડેજા તેમજ એસઆરપીના જવાનોનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે નાગરવાડામાં પકડાયેલા પાંચ આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે કારેલીબાગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવનાર છે.
વડોદરામાં વધુ ૧૬ નવા કોરોના પોઝિટિવના દર્દી નોંધાયા : બેનાં મોત

Recent Comments