વડોદરા, તા.૧૩
વડોદરા શહેરમાં કોરોના વાયરસના આજે વધુ ૧૮ કેસ નોંધાયા છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા ૬રપ ઉપર પહોંચી ગઈ છે. વડોદરામાં આજે ૪૪ દર્દી કોરોના મુક્ત થયા છે, આમ અત્યાર સુધી ૩પપ દર્દી સાજા થઈને ઘરે પહોંચી ચૂક્યા છે. વડોદરામાં પ૭ ટકા દર્દીઓ કોરોના મુક્ત થયા છે. વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોનાથી ૬પ વર્ષના ફતેમોહમ્મદ ગુલામ મોહમ્મદ શેખ (રહે,બાવામાનપુરા, પાણીગેટ)નું કોરોના વાયરસથી મોત થયું છે. ૪ દિવસ પહેલાં તેમને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું મૃત્યુ થતાં માતરિયા કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં સત્તાવાર રીતે કોરોના વાયરસની સારવાર દરમિયાન ૩ર લોકોનાં મોત થયા છે. જો કે, આજે વધુ એક વ્યક્તિનું મોત થયું છે જેનું ઓડિટ કર્યા બાદ આરોગ્ય વિભાગ તેના મૃત્યુની જાહેરાત કરશે.