વડોદરા શહેર જિલ્લામાં મુસ્લિમ સમુદાયના પવિત્ર મોહર્રમ માસનો પ્રારંભ થયો હતો. શહેરના મુસ્લિમ વિસ્તારોમાં ઠેર-ઠેર હઝરત ઈમામ હુસૈન (ર.અ.)ની યાદમાં કલાત્મક તાજિયાઓની સ્થાપના કરવામાં આવી હતી. ગતરાત્રીએ શબે અશૂરા નિમિત્તે વિવિધ વિસ્તારોમાં તાજિયાની સવારીઓ નીકળી હતી.
ગતરાતથી શહેરમાં સતત એકધારા વરસી રહેલા વરસાદને પગલે આજરોજ તાજિયા ઠંડા કરવા માટે તથા તાજિયા સવારીઓ નીકળવા થોડી મુશ્કેલીઓ થઈ હતી પરંતુ બપોર પછી વરસાદે થોડો વિરામ લેતા શહેરના રાજમાર્ગો પર તાજિયા સવારીઓ નીકળતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. યા હુસૈન… યા હુસૈન…ના નારા સાથે તાજિયા સવારીઓમાં નીકળેલા યુવાધન તથા નાના બાળકોએ શ્રદ્ધા ભર્યું વાતાવરણ ઉતપન્ન કર્યું હતું. પોલીસે શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોઈન્ટ ગોઠવી દઈ સતત પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.