(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
શાળા સંચાલકો દ્વારા થઇ રહેલી ફીની ઉઘરાણીને લઇ વાલીઓએ આજે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. શહેરના વુડા સર્કલ ખાતે ભેગા થયેલા વાલીઓ પોતાના બાળકોને જોકરનાં વેશમાં સજ્જ કરીને ઢોલ-નગારા સાથે આવ્યા હતા. જ્યાંથી સુત્રોચ્ચાર અને બેન્ડવાજા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. વડોદરાની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ આજે ઉપભોકતા અધિકાર મંચનાં બેઠક હેઠળ વુડા સર્કલ ખાતે એકઠા થયા હતા. તેમણી સાથે વાલીઓ પોતાના બાળકોને પણ લઇને આવ્યા હતા. શાળા સંચાલકો ફી નિયમન કાયદાનું ઉલ્લંઘન કરી વાલીઓને જોકર બનાવી રહ્યાં છે તેવા આક્ષેપ સાથે વાલીઓ તેમના બાળકોને જોકરનાં પોષાક પહેરાવીને વિરોધ પ્રદર્શન માટે આવ્યા હતા. જોકરનાં વેશમાં જાહેરમાર્ગ ઉપર ડાન્સ કરી રહેલાં વિદ્યાર્થીઓ રાહદારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વાલીઓએ શાળા સંચાલકો સામે એવો આક્ષેપ કર્યો હતો કે, શાળા સંચાલકો સુપ્રિમ કોર્ટની પણ અવગણના કરી રહ્યાં છે. સુપ્રિમ કોર્ટે ફી નિયમનનો અમલ કરવાનું જણાવ્યું હોવા છતાં શાળા સંચાલકો અમને જોકર બનાવી રહ્યાં છે. જેથી અમારા બાળકોને આજે અમારે જોકર બનાવવાની ફરજ પડી હતી. વાલીઓ સુત્રોચ્ચાર સાથે વુડા સર્કલથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.