(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૮
રાવપુરાની દશ વર્ષીય બાળકીનું શંકાસ્પદ ડેન્ગ્યુમાં વારસીયા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ સાથે શંકાસ્પદ ડેન્ગ્યુમાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ૨૦ ને સ્પર્શી ગઇ છે.
શહેરમાં છેલ્લાં ઘણા સમયથી વકરેલો ડેન્ગ્યુનો વાવર અટકી રહ્યો નથી. ઠંડીની સિઝન શરૂ થતાં તાપમાનમાં ઘટાડો થતા ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરોનો ત્રાસ ઓછો થશે. જેથી બેકાબુ રોગચાળામાં થોડી રાહત મળશે તેવી આરોગ્ય વિભાગની આશા ઠગારી નિવડી છે. દરમિયાન ગત સપ્તાહે રાવપુરાની દશ વર્ષની એક બાળકીને તાવ-ઉલ્ટી સાથે તબિયત લથડતા સ્થાનિક તબીબની સારવાર લીધી હતી. જે બાદ સ્થિતિમાં કોઇ સુધારો ન થતાં વારસીયા રોડ પર આવેલી પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં બાળકીને દાખલ કરાઇ હતી.
જ્યાં સારવાર દરમિયાન ગત શનિવારનાં રોજ તેનું નિધન થયું હતું. આ સાથે શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ૨૦ જેટલી થવા પામી છે.