(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૯
સુપર સ્પ્રેડર એવા શાકભાજીવાળાઓનું ત્રણ દિવસમાં સ્ક્રીનિંગ પૂરૂં કરવાના અભિયાનમાં પહેલા દિવસે ૧૮૬૬ શાકભાજીવાળાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અને ૬૫ લોકો અનફિટ મળી આવતા તેમને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ૨૧ લોકો શઁંકાસ્પદ લાગતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોરોનાના સંક્રમણની ભવિષ્યની સ્થિતિને પહોંચી વળવા માટે ગુરૂવારે તા.૭ના રોજ વડોદરાના ઓએસડી ડો.વિનોદ રાવે શહેર જિલ્લાના વડાધિકારીઓ સાથે બેઠક યોજીને ચાર મુદ્દાની રણનીતિ તૈયાર કરી હતી. જેમાં અમદાવાદ-સુરતની માફક સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવાના બદલે સુપર સ્પ્રેડર એવા શાકભાજીવાળાઓનું જ સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
શાકભાજીવાળાઓનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જોકે પહેલા દિવસે જ ૬૫ શાકભાજીવાળાનું આરોગ્ય યોગ્ય ન હોવાનું જણાઈ આવતા તમામને હોમ ક્વોરન્ટાઈન થઈ જવાની તાકીદ કરતી સૂચના આપવામાં આવી હતી અને શાકભાજીનું વેચાણ ન કરવાની પણ ટકોર કરવામાં આવી હતી. આરોગ્ય પરીક્ષણમાં ૨૧ શાકભાજીવાળામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોવાની આશંકા લાગતા તમામ ૨૧નાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.