વડોદરા, તા.૨
વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં આવેલી શાળાઓના મિલકતવેરામાં હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત આપવાની માંગણી વડોદરા શહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.
વડોદરા શહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંચાલક મંડળના હોદેદ્દારોએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં અંદાજે ૪૦૦ જેટલી શાળાઓ માત્રને માત્ર વિદ્યાર્થીઓની ફી ઉપર શાળાનું સંચાલન કરે છે. જેમાંથી શિક્ષકોના પગાર વહીવટી ખર્ચ અને મકાનની જાળવણી ઉપરાંત મિલકત વેરો ભરવાનો થાય છે. ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે અને લોકડાઉનની પરિસ્થિતિમાં સરકારની સુચના મુજબ અચાનક શાળાઓ બંધ કરવી પડી હતી. જેના પરિણામે વર્ષ ૨૦૧૯ અને ૨૦ની વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી ફી મોટાભાગે વાલીઓ તરફથી ભરવામાં આવશે નહીં તેવું અનુમાન છે.