વડોદરા, તા.૩
વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી મકાનો બનાવી આપવા અને બાકી પડતું ભાડું આપવાની માગણી સાથે વારસિયા રિંગરોડના સંજયનગરના વિસ્થાપિતો આંદોલન કરી રહ્યા છે. સંજયનગરના રહિશોએ પાલિકા કમ્પાઉન્ડમાં થાળીઓ વગાડીને કોર્પોરેશનના તંત્રને જગાડવા માટે દેખાવો કર્યા હતા અને સંજયનગર વિકાસ મંડળે વડોદરા શહેર કોંગ્રેસની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં બિલ્ડરને આપેલો પ્રોજેક્ટ રદ કરવા અને કોર્પોરેશન જાતે મકાનો બનાવી બેઘર સંજય નગરના મકાનો બનાવી આપવા માગણી કરી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટસિટીના ભાગરૂપે સ્લમ ફ્રી સિટી બનાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ઝૂપડાઓ દૂર કરવામાં આવ્યા હતા અને ઝૂંપડાવાસીઓને મકાનો આપવામાં આવી રહ્યા છે. તે જ રીતે વર્ષ-૨૦૧૭માં વારસિયા રિંગરોડ ઉપર આવેલી સંજયનગર ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવી હતી અને ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવીને સંજયનગરના ૧૮૦૦ પરિવારોને મકાનો આપવા માટે ખાત્રી આપવામાં આવી હતી અને જ્યાં સુધી મકાનો આપવામાં ન આવે ત્યાં સુધી પ્રતિ માસ બે હજાર રૂપિયા બિલ્ડર દ્વારા ભાડું ચૂકવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. ૩ વર્ષ પછી પણ લાભાર્થીઓને મકાન મળ્યા નથી અને ૬ માસથી બિલ્ડર દ્વારા ભાડું ચૂકવવાનું બંધ કરી દેવામાં આવતા બેઘર લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. રહીશોએ સંજયનગર વિકાસ મંડળ બનાવીને આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનને કોંગ્રસ દ્વારા ટેકો આપી તેઓની પડખે આવ્યું છે. આજે સંજયનગર વિકાસ મંડળ અને શહેર કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બિલ્ડરને પીપીપી ધોરણે આપવામાં આવેલો પ્રોજેક્ટ રદ કરવા અને કોર્પોરેશન જાતે મકાનો બનાવીને લાભાર્થીઓને આપવા માગણી કરવામાં આવી છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા ચંદ્રાકાંત શ્રીવાસ્તવ, સંજયનગર વિકાસ મંડળ સમિતિના પ્રમુખ ભગવાનદાસ આહિર, સંજયનગર વિકાસ મંડળના મહિલા પ્રમુખ સીમાબહેન રાઠોડ સહિત મોટી સંખ્યામાં સંજયનગરના મહિલા-પુરૂષ લાભાર્થીઓ પાલિકા ખાતે તંત્ર વિરૂદ્ધ લખેલા બેનર્સ, પોસ્ટર્સ સાથે તેમજ થાળીઓ લઈને આવી પહોંચ્યો હતા. રહીશોએ પાલિકાના કમ્પાઉન્ડમાં થાળીઓ ખખડાવી કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે કોર્પોરેશનના સત્તાધારીઓ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને મકાનો આપવાની માગણી કરી હતી.