(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩૧
વડોદરામાં સુભાનપુરા ખાતે સેન્ટ્રલ જીએસટી ઓડીટ કમિશ્નરેટ-ટુમાં સીબીઆઇના અધિકારીઓએ છટકું ગોઠવી રૂા.૩ લાખની લાંચ લેતા ટેક્ષ કન્સલ્ટન્ટને ઝડપી પાડયો હતો. જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ વતી લાંચ લેવાના ગુન્હામાં કન્સલ્ટન્ટ તથા અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. લાખોની લાંચના ગુનામાં સીબીઆઇએ સરકારી અધિકારી તથા કન્સલ્ટન્ટની આવકથી વધુ સંપત્તિ મામલે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો.શહેરનાં અર્થ પ્રોજેકટનાં બિલ્ડરની ઓડીટની કામગીરીમાં તરફધારી કરવા જીએસટી સુપ્રિટેન્ડન્ટ સુભાષકુમાર વતી ટેકસ કન્સલ્ટન્ટ ધર્મેશ યાજ્ઞીકે રૂા.૪ લાખની માંગ કરી હતી. જે બાદ લાંચની રકમ રૂા.૩ લાખ નક્કી કરવામાં આવી હતી. આ મામલે બિલ્ડરે જીએસટી સુપ્રિટેન્ડન્ટ તથા કન્સ્ટલ્ટન્ટ વિરુદ્ધ ગુપ્તરાહે અમદાવાદ સીબીઆઇમાં રજુઆત કરી હતી. નિર્ધારીત કર્યા મુજબ ગતરોજ સાંજના સમયે લાંચ આપવાનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં રૂા.૩ લાખની લાંચ લેતા કન્સલ્ટન્ટ ધર્મેશ આબાદ ઝડપાઇ ગયો હતો. ત્યારબાદ સીબીઆઇના અધિકારીઓએ બંધ રૂમમાં સુપ્રિટેન્ડન્ટ સુભાષકુમારની પુછપરછ કરી હતી.
સમગ્ર તપાસમાં ઓડીટ વિભાગનાં બે કર્મચારીઓની પણ પુછપરછ કરવામાં આવી હતી. તપાસનાં આધારે સીબીઆઇએ જીએસટી ઓફીસનાં ઓડિટ વિભાગનાં સુપ્રિટેન્ડન્ટ તથા ખાનગી કન્સલ્ટન્ટની ધરપકડ કરી હતી.