(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
શહેરના વિવિધ સ્થળોએ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લઇ બાઇક સવાર ટોળકી ફરાર થઇ હોવાના બનાવ પોલીસ દફતરે નોંધાયા હતા.
પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર લક્ષ્મીપુરા ક્રિષ્ણા ટાઉનશીપ નજીક સતત ફલેટમાં રહેતા રૂપાબેન દરજી વહેલી સવારે પુત્રને શાળાએ મૂકવા સ્કૂટી હંકારી રવાના થયા હતા. દરમ્યાન ઉર્વશી ડુપ્લેક્ષ પાસેથી પસાર થતા સ્કુટી ચાલક રૂપાબેન દરજી નજીક અચાનક બે અજાણ્યા એક્ટિવાના સવાર ધસી આવ્યા હતા. એક્ટિવાના ચાલકની પાછળ બેઠેલા અજાણ્યા સાગરીતે હાથ લાંબો કરી રૂપાબેન દરજીના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લીધી હતી. જો કે, ચેઇન પડી જતા હાથમાં પેન્ડલ આવ્યું હતું. સોનાનું પેન્ડલ લૂંટી લઇ બંને અજાણ્યા ગઠીયા એક્ટિવા હંકારી ફરાર થઇ ગયા હતા. લક્ષ્મીપુુરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં પ્રતાપનગર પાર્વતી ચેમ્બર્સમાં રહેતા રશ્મીબેન જેઠી સાંજના સમયે ભાભી રોહીણીબેન સાથે બાંકડા ઉપર બેઠા હતા. ત્યારે અચાનક અજાણ્યો શખ્સ બાંકડાની પાછળથી ધસી આવ્યો હતો અને રશ્મીબેન જેઠીના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લઇ રોડ તરફ નાસી છૂટયો હતો. મુખ્યમાર્ગ પર પાર્ક કરેલી બાઇક હંકારી અજાણ્યો ગઠીયો ફરાર થઇ ગયો હતો. વાડી પોલીસ મથકે લૂંટના બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.