(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮
વડોદરા મહાનગર પાલિકાની સભામાં કોંગ્રેસના કોર્પોરેટરોએ રોડનાં કોન્ટ્રાકટ આપવામાં થતા મોટા કૌભાંડનો ખુલાસો કર્યો હતો. ઇજારદારની મરજી મુજબ રોડનાં કોન્ટ્રાકટમાં કેવી રીતે શરતો વધારવા અને ઘટાડવામાં આવે છે. જેથી ચોક્કસ ઇજારદારો જ ટેન્ડર માટે જ કવોલીફાઇડ થઇ શકે. જેના કારણે પાલિકાને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થઇ રહ્યું છે. આ સમગ્ર બાબત ધ્યાને આવતા મેયર ડો. જીગીશાબેન શેઠે તાત્કાલીક અસરથી વડોદરામાં હવેથી ૬૫ એમ.એમ.નાં રોડ બનાવવાનો બંધ કરવાનું આદેશ મ્યુનિ.કમિશ્નરને આપ્યો હતો.
શહેરમાં રોડનાં કામ આપવામાં પાલિકામાં ખુબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર અને તમામ કોર્પોરેશન રોડનાં ટેન્ડરીંગ માટે આર.એલ.ડી. તથા પી.ડબલ્યુ.ડી.ની કેટલીક શરતો લાગું કરતાં હોય છે. તેના કરતાં પણ ઉપરવટ જઇને પાલિકાનાં કેટલાક અધિકારીઓએ ઇજારદારને ફાયદો કરાવવા અને ચોક્કસ ઇજારદારો જ રોડનાં કામ મેળવી શકે તેવો તખ્તો ઉભો કર્યો છે. કોર્પોરેશનમાં ક્યારેય ન હોય તેવા રોડના ટેન્ડર આપવા માટે લાગું કરાય છે. જેથી નાના કોઇપણ ઇજારદાર પોતાનું ટેન્ડર ભરી શકે નહીં અને ગુણવત્તા વાળી સ્પર્ધા ન થાય અને ઉંચા ભાવે ઇજારદારો કામ મેળવી લે તેવો કારસો રચાય છે.
ધોરીમાર્ગો પર ૪૫ એમ.એમ.ના માર્ગો બનાવવામાં આવે છે. જ્યારે શહેરમાં ૬૫ એમ.એમ. જાડાઇનાં રસ્તા બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ આક્ષેપ કર્યો હતો. પાલિકા હદ વિસ્તારમાં રોડ બનાવવા માટે ઇજારદાર પાસે બેચમીકસ પ્લાન્ટ હોય તે જ ઇજારદાર ટેન્ડર ભરી શકે અને આ પ્લાન્ટ ૩૦ કિલોમીટરની હદમાં હોવો જોઇએ. બહારનાં ઇજારદારે જો ટેન્ડર ભરવું હોય તો હાલનાં ઇજારદાર પાસે કામ કરવા માટેની તેની લૈખિત સંમતિ (એન.ઓ.સી.) લેવી પડે. આવા નિયમો લાગું કરવાનું સાથે અનેક નાના ઇજારદારો ન કરી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જેને કારણે તપાસ કરવા પી.ડબલ્યુ.ડી. માં રજીસ્ટ્રાર હોય તેવા જી.આર.સરકારમાંથી મંગાવવામાં આવ્યા. પરંતુ કોઇપણ જગ્યાએ એવો નિયમ નથી કે રસ્તો બનાવવાનાં ટેન્ડર મેળવવા ૧૦ કરોડનાં કામ સુધી બેચમીકસ પ્લાન્ટ હોવો જોઇએ. પાલિકા અનેક નાના-મોટા રસ્તા બનાવવા રૂા.૧૦ લાખની મર્યાદામાં કામો સોપે છે. તો નાના ઇજારદારને બેચમીકસ પ્લાન્ટ ઉભો કરવો શકય નથી આવા આક્ષેપ થતા મેયર ડો.જીગાશાબેન શેઠે સમગ્ર બાબતને ગંભીરતાથી લઇ પાલિકામાં આજથી તાત્કાલીક અસરથી ૬૫ એમ.એમ.ના માર્ગો બનાવાશે નહીં અને જરૂરીયાત મુજબ ૩૦ કે ૩૫ એમ.એમ.ના માર્ગ જ જે તે રૂટ ઉપર જ મોટા વાહનોની અવર જવરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે તેવો હુકમ કમિશ્નર કર્યો હતો. તેમજ રોડ ટેન્ડરમાં પધ્ધતિ કેમ બદલાઇ અને કોને બદલી તે બાબત પણ ધ્યાને લેવા કમિશ્નરને તાકિદ કરી હતી. આમ આજથી પાલિકામાં રોડનાં બિનજરૂરી મોટા ટેન્ડરો બંધ કરવાની સૂચના આપી હતી.