(અતિક શેખ) વડોદરા, તા.ર૯
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ચિશ્તીયા મસ્જિદ પાછળ રહેતા એક હિન્દુ વૃદ્ધનું અવસાન થતાં તેમના પરિવારજનો લોકડાઉનની પરિસ્થિતિમાં આવી શકતા ન હોવાથી આ વિસ્તારના મુસ્લિમ યુવાનો આગળ આવ્યા હતા અને આ વૃદ્ધની અંતિમયાત્રામાં પોતે કાંધો આપી સ્મશાનઘાટ સુધી પહોંચાડી હિન્દુ રીતરિવાજ મુજબ વૃદ્ધની અંતિમક્રિયા કરાવી માનવતાનું એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. ૧૦થી ૧૫ જેટલા મુસ્લિમ યુવાનોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી વૃદ્ધની અંતિમક્રિયા કરતા કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા.
આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સાથે લડી રહ્યું છે ત્યારે ભારત પણ કોરોના વાયરસની સાથે-સાથે કોમવાદી વાયરસ સાથે પણ લડી રહ્યું છે. તેવા સમયમાં શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ ચિશ્તીયા મસ્જિદની પાછળના વિસ્તારમાં ૮૫ વર્ષની વય ધરાવતા ગંગારામ તિવારી પોતાની પત્ની સાથે રહેતા હતા. એકલવાયું જીવન જીવતા આ વૃદ્ધ દંપતીને તેમના પરિવારજનો પૂછવા પણ આવતા નહોતા. આ વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારો આ વૃદ્ધ દંપતીનો ખ્યાલ રાખતા હતા. લોકડાઉનના સમયમાં પણ આ વૃદ્ધ દંપતીને બંને ટાઈમનું જમવાનું વિસ્તારના મુસ્લિમ યુવાનો પહોંચાડતા હતા. આજે સવારે માંદગીના પગલે ૮૫ વર્ષીય ગંગારામ તિવારીનું અવસાન થયું હતું. વિસ્તારના લોકોએ અલગ-અલગ જગ્યાએ રહેતા તેમના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક પણ વ્યક્તિએ ત્યાં આવવાની તસ્દી લીધી ના હતી. છેવટે વિસ્તારના યુવાનોએ ઝુબેરખાન પઠાણ, ફઝલખાન પઠાણની આગેવાનીમાં આ વૃદ્ધની અંતિમક્રિયા કરવાનું નક્કી કર્યું હતું.